Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 11 >> 

1ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને ત્યાંથી તેઓનાં નગરોમાં તે ગયા.

2હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેમને પૂછાવ્યું કે,

3'જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?'

4ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઇને યોહાનને કહી બતાવો કે,

5'અંધજનો દેખતા થાય છે, પગે અપંગ ચાલતા થાય છે, રક્તપિત્તનારોગી શુદ્ધ કરાય છે, બહેરા સાંભળતા થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે,તથા દરિદ્રીઓને સુવાર્ત્તા પ્રગટ કરાય છે.

6જે કોઈ મારા સબંધી ઠોકર નહિ ખાય તે આશીર્વાદિત છે.'

7જયારે તેઓ જતા હતા ત્યારે - ઈસુ યોહાન સબંધી લોકોને કહેવા લાગ્યા કે, 'તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને?

8પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? જુઓ, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.

9તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકોને? હું તમને કહું છું કે, હા, પ્રબોધકો કરતાં જે ઘણા અધિક છે તેને.

10જેના સંબંધી એમ લખેલું છે કે, જો, હું મારા દૂતને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે.

11હું તમને નિશ્ચે કહું છું કે, જેટલા સ્ત્રીઓથી જન્મ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.

12યોહાન બાપ્તિસ્મા કરનારના સમયથી તે અત્યાર સુધી આકાશના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ એવું કરીને તે લઇ લે છે.

13કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.

14જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.

15જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

16પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાંના જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે,

17અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.

18કેમ કે યોહાન ખાતોપીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે કે, તેને ભૂત વળગ્યું છે.

19માણસનો દીકરા [ઈસુ] ખાતોપીતો આવવ્યા, તો તેઓ કહે છે કે, જુઓ, ખાઉધરા અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.'

20ત્યારે જે નગરોમાં તેમનાં પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યા કે,

21'ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, તને હાય! હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયાં, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.

22વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.

23ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.

24વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ પડશે.'

25તે વેળા ઈસુએ કહ્યું કે, 'ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તમે એ વાતો ગુપ્ત રાખી, તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.

26હા, ઓ પિતા, કેમ કે તમને એવું સારું લાગ્યું.

27મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે; પિતા વગર દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા વગર તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર, પિતાને કોઈ જાણતું નથી.

28ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.

29મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા સાલસ છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.

30કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.'


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 11 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran