Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 10 >> 

1પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.

2તે બાર પ્રેરિતનાં નામ આ છે; પહેલો સિમોન જે પિતર કહેવાય છે તે, તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;

3ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદી;

4સિમોન કનાની તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર પણ હતો.

5ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, 'તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઇ નગરમાં ન પેસો;

6પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાએલાં ઘેટાંની પાસે જાઓ.

7તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.

8માંદાઓને સાજાં કરો, રક્તપિત્તનારોગીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, ભૂતોને કાઢો: તમે મફત પામ્યા છો, મફત આપો.

9સોનુંરૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો.

10મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, બૂટ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે.

11જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.

12ઘરમાં જઈને તેઓને સલામ કહો.

13જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર આવે, પણ જો તે યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી આવશે.

14જો કોઈ તમારો આવકાર નહિ કરે, તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો.

15હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.

16જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.

17તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.

18તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.

19પણ જયારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ. કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.

20કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા પિતાનો જે [પવિત્ર] આત્મા તે તમારામાં બોલે છે.

21ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.

22મારા નામને સારુ સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઇ અંત સુધી ટકશે તે ઉધ્ધાર પામશે.

23જયારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.

24શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.

25શિષ્ય પોતાના ગુરુ સરખો અને નોકર પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?

26તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી.

27હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.

28શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નરકમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.

29પૈસાની બે ચકલીઓ વેચાતી નથી શું? તોપણ તમારા પિતા[ની ઇચ્છા] વગર તેમાંથી એકે જમીન પર પડનાર નથી.

30તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.

31તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

32માટે માણસોની આગળ જે કોઇ મને કબૂલ કરશે તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ.

33પણ માણસોની આગળ જે કોઇ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ.

34પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો; શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું.

35કેમ કે પુત્રને તેના પિતાની વિરુધ્ધ, દીકરીને તેની માની વિરુધ્ધ તથા પુત્રવધુને તેની સાસુની વિરુધ્ધ કરવાને હું આવ્યો છું.

36માણસના દુશ્મન તેના ઘરનાં જ થશે.

37મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રીતિ કરે છે, તે પણ મારે કામના નથી.

38જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી;

39જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનો જીવ ગુમાવે છે તે તેને બચાવશે.

40જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.

41પ્રબોધકોને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે, તે પ્રબોધકનું ફળ પામશે; અને ન્યાયીને નામે ન્યાયીનો આવકાર જે કરે છે તે ન્યાયીનું ફળ પામશે.

42હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.'


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 10 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran