Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Colossians 3 >> 

1એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધો કરો.

2સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.

3કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે.

4ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.

5તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.

6આવાં કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે.

7જયારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા.

8પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા અને તમારા મુખમાંથી નીકળતાં બીભત્સવચનો તે સર્વ ત્યજી દો.

9તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમકે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે;

10અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે.

11તેમાં નથી ગ્રીક કે યહુદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.

12એ માટે, પવિત્ર તથા વહાલાઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો.

13એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા બક્ષી તેમ તમે પણ એકબીજાને ક્ષમા કરો.

14પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.

15ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીરમાં તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને તમે આભારસ્તુતિ કરો.

16ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.

17વચનથી કે કાર્યથી જે કંઇ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.

18પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો.

19પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.

20બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે.

21પિતાઓ, તમે તમારાં બાળકોને ઉશ્કેરશો નહી, કે જેથી તેઓ નિરાશ થાય નહિ.

22દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો.

23તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા દિલથી કરો;

24કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો.

25પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; '[પ્રભુ પાસે] પક્ષપાત નથી.


  Share Facebook  |  Share Twitter

 <<  Colossians 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran