Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 17 >> 

1છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઇ ગયા.

2તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમનાં વસ્ત્ર અજવાળાના જેવા શ્વેત થયા.

3ત્યારે મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.

4પિતરે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જો તમારી ઈચ્છા હોય તો આપણે અહીં રહીએ તેસારું છે હું અહીં ત્રણ માંડવા બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.'

5તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.'

6શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.

7ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, 'ઊઠો, અને બીશો નહિ.'

8તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.

9જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'આ જે તમે જોયું તે માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને ન કહેતા.'

10તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?'

11ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'એલિયા આવી ચૂક્યા છે અને સઘળું વ્યવસ્થિત કરશે;'

12પણ હું તમને કહું છું કે, 'એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસના દીકરા [ઈસુ] પણ તેઓથી દુઃખ સહન કરશે.'

13ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.

14જયારે તેઓ લોકની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,

15'ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમકે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણી વાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.'

16તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.

17ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, 'ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.'

18પછી ઈસુએ તે આત્માને ધમકાવ્યો ; અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.

19પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહે છે કે, 'અમે તેને કેમ કાઢી ન શક્યા?'

20ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારા અવિશ્વાસને લીધે; કેમકે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, "તું અહીંથી ત્યાં ખસી જા" અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.'

21[પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત ખસતી નથી].'

22જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઇસુએ તેઓને કહ્યું કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;

23તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.' ત્યારે તેઓ બહુ દિલગીર થયા.

24પછી તેઓ કફર-નાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, 'શું તમારો ઉપદેશક [ભક્તિસ્થાન]ના કરનું નાણું નથી આપતો?'

25પિતરે કહ્યું કે, 'હા,' અને તે ઘરમાં આવ્યો ત્યારે [તેના બોલવા] અગાઉ ઈસુએ કહ્યું કે, 'સિમોન, તને શું લાગે છે, પૃથ્વીના રાજા કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે બિનયહૂદીઓ પાસેથી?'

26પિતરે ઈસુને કહ્યું કે, 'બિનયહૂદીઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'તેમના દીકરાઓ તો આઝાદ છે.

27તો પણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ માટે તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.'


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 17 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran