Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Thessalonians 1 >> 

1ઈશ્વર આપણા પિતામાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકામાંની મંડળી (વિશ્વાસી સમુદાય)ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે.

2ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો.

3ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે, અને તમે સર્વ એક બીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો.

4માટે તમારા પર થતી બધી સતાવણી તથા વિપત્તિ, જે તમે વેઠો છો તેઓમાં તમારી સહનશીલતા તથા વિશ્વાસને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીમાં તમારી પ્રશંસા કરીએ છીએ.

5આ તો ઈશ્વરના ન્યાયી ઇન્સાફનો પુરાવો છે, કે ઈશ્વરના જે રાજ્યને સારુ તમે દુઃખ વેઠો છો તેને માટે તમે યોગ્ય ગણાઓ.

6કેમ કે ઈશ્વરને માટે એ વાજબી છે, કે તમને દુઃખ દેનારને તેઓ એ દુ:ખનો બદલો આપે.

7જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે જ્વાળામાં પ્રગટ થાય ત્યારે તે તમને દુઃખ પામેલાઓને અમારી સાથે વિસામો આપે.

8તે વેળા જેઓ ઈશ્વરને ઓળખતા નથી, અને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.

9તેઓ પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના ગૌરવી સામર્થ્યથી દૂર રહેવાની એટલે સાર્વકાળીક નાશની સજા ભોગવશે.

10જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને, અને જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્યકારક મનાવા સારુ આવશે તે દિવસે એમ થશે. કેમ કે તમે અમારી શાહેદી પર વિશ્વાસ રાખ્યો.

11તેથી અમે સદા તમારા વિષે પ્રાર્થના કરીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી બધી ઇચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે;

12આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેનામાં મહિમાવાન થાઓ.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Thessalonians 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran