Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Isaiah 33 >> 

1તને અફસોસ છે! વિનાશ કરનારનો વિનાશ થયો નથી! તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ, તને અફસોસ! તું વિનાશ કરવાનું બંધ કરીશ ત્યારે તારો વિનાશ થશે. તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.

2હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ; દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉધ્ધારનાર થાઓ.

3ભારે અવાજથી લોકો નાસે છે; જ્યારે તમે ઊઠ્યા ત્યારે વિદેશીઓ વિખેરાયા છે.

4જેમ માણસો કાતરા એકઠા કરે છે તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.

5યહોવાહ મોટા મનાયા છે; તે ઉચ્ચસ્થાનમાં રહે છે. તે સિયોનને ઇનસાફ અને ન્યાયથી ભરે છે.

6તે તારા સમયમાં સ્થિર થશે, ઉધ્ધાર, ડહાપણ અને ડહાપણનો ભંડાર; યહોવાહનો ભય તે જ તેનો ખજાનો છે.

7જુઓ, તેઓના શૂરવીરો બહારથી વિલાપ કરે છે; સલાહ કરનારા અને શાંતિની આશા રાખનારા પોક મૂકીને રડે છે.

8માર્ગો ઉજ્જડ થયા છે; વટેમાર્ગુ બંધ થયા છે. કરાર તોડવામાં આવ્યો છે, સાક્ષીને ધિક્કાર્યા છે અને નગરો આદર વિનાનાં થઈ ગયાં છે.

9દેશ વિલાપ કરે છે અને સુકાઈ જાય છે; લબાનોન લજ્જિત થઈને સંકોચાઈ જાય છે; શારોન ઉજ્જડ જંગલ જેવો થયો છે; અને બાશાન તથા કાર્મેલ પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે.

10યહોવાહ કહે છે, "હવે હું ઊઠીશ;" હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.

11તમે ફોતરાંનો ગર્ભ ધરશો અને ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે.

12લોકો ભઠ્ઠીમાં ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા અને કાપેલા કાંટા જેવા થશે.

13તમે જેઓ દૂર છો તેઓ, મેં જે કર્યું છે તે સાંભળો; અને તમે પાસે રહેનારાઓ, મારું પરાક્રમ જાણો.

14સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે. આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?

15જે ન્યાયને માર્ગે ચાલે છે અને સત્ય બોલે છે; જે જુલમની કમાઈને ધિક્કારે છે, જે લાંચ લેવાનો ઇનકાર કરે છે, જે ગુનો કરવાની યોજના કરતો નથી, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.

16તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.

17તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે.

18તારા હૃદયમાં વીતી ગયેલા ભય વિષે વિચાર આવશે; ખંડણી લેનાર ક્યાં છે? તોલનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?

19જે લોકોની બોલી કળી શકાય નહિ એવી ગૂઢ છે, જેઓની ભાષા સમજાય નહિ એવી છે, તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહિ.

20સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.

21ત્યાં તો યહોવાહ જે મહિમાવાન છે તે પહોળી નદીઓ અને નાળાને સ્થાને આપણી સાથે હશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી અને મોટાં વહાણો તેમાં પસાર થવાનાં નથી.

22કેમ કે યહોવાહ આપણા ન્યાયાધીશ, યહોવાહ આપણા નિયમ આપનાર, યહોવાહ આપણા રાજા છે; તે આપણને બચાવશે.

23શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયા છે; તેઓ કૂવાથંભ બરાબર સજ્જડ રાખી શક્યા નહિ; તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાય; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.

24હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 33 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran