Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Isaiah 26 >> 

1તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: "અમારું એક મજબૂત નગર છે; ઈશ્વરે ઉધ્ધારને અર્થે તેના કોટ તથા મોરચા ઠરાવી આપ્યા છે.

2દરવાજા ઉઘાડો, વિશ્વાસ રાખનાર ન્યાયી પ્રજા તેમાં પ્રવેશે.

3તમારામાં જે દૃઢ મનવાળા છે તેઓને, તમે સંપૂર્ણ શાંતિમાં રાખો, કેમ કે તે તમારા પર ભરોસો કરે છે.

4યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમ કે, યહોવાહ આપણો સનાતન ખડક છે.

5કેમ કે તે ગર્વથી રહેનારને નીચા નમાવશે, કિલ્લાવાળા ગર્વિષ્ઠ નગરને તે જમીનદોસ્ત કરી નાખશે; તે તેને ધૂળભેગું કરશે.

6પગથી તે ખૂંદાશે; હા દીનોના પગથી અને જરૂરતમંદોના પગથી તે ખૂંદાશે.

7ન્યાયીનો માર્ગ સીધો છે, તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છો.

8હે યહોવાહ, અમે તમારા ન્યાયના માર્ગોમાં, તમારી રાહ જોતા આવ્યા છીએ; તમારું નામ અને તમારું સ્મરણ એ અમારા પ્રાણની ઝંખના છે.

9રાત્રે હું તમારે માટે આતુર બની રહું છું; હા, મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. કેમ કે પૃથ્વી પર તમારો ન્યાય આવે છે, ત્યારે જગતના રહેવાસીઓ ન્યાયીપણું શીખે છે.

10દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, પણ તે ન્યાયીપણું નહિ શીખે. પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરે છે અને તે યહોવાહનો મહિમા જોશે નહિ.

11હે યહોવાહ, તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ ધ્યાન આપતા નથી. પણ તેઓ તમારા લોકોની આતુરતા જોઈને શરમાશે, કારણ કે તમારા વેરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને ગળી જશે.

12હે યહોવાહ, તમે અમને શાંતિ આપશો; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.

13હે યહોવાહ અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા માલિકોએ અમારા પર રાજ કર્યું છે; પરંતુ અમે ફક્ત તમારા નામની સ્તુતિ કરીએ છીએ.

14તેઓ મરણ પામ્યા છે, તેઓ જીવશે નહિ; તેઓ મરણ પામ્યા છે, તેઓ પાછા ઊઠશે નહિ. તે જ માટે તમે તેઓનો ન્યાય કરીને તેઓનો નાશ કર્યો છે અને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.

15તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવાહ, તમે પ્રજા વધારી છે; તમારો મહિમા પ્રગટ કર્યો છે; તમે પૃથ્વીનાં છેડા સુધી સર્વ સીમાઓ વિસ્તારી છે.

16હે યહોવાહ, સંકટ સમયે તેઓ તમારી તરફ ફર્યા છે; તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તમારી પ્રાર્થના કરી છે.

17જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે પ્રસૂતિની વેદનામાં ચીસો પાડે છે; તે પ્રમાણે, હે પ્રભુ અમે તમારી સંમુખ હતા.

18અમે ગર્ભ ધર્યો હતો, અમે પ્રસવ પીડામાં હતા, પણ અમે જાણે વાયુને જન્મ આપ્યો છે. પૃથ્વીનો ઉધ્ધાર અમારાથી થયો નથી અને દુનિયાના રહેવાસીઓ પડ્યા નથી.

19તમારાં મૃતજનો જીવશે; આપણા મૃત શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ અને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે અને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.

20જાઓ, મારી પ્રજા, તમારી ઓરડીમાં પેસો અને અંદર જઈને બારણાં બંધ કરો; જ્યાં સુધી કોપ બંધ પડે નહિ ત્યાં સુધી સંતાઈ રહો.

21કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 26 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran