Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Isaiah 11 >> 

1યિશાઈના મૂળમાંથી ફણગો ફૂટશે અને તેની એક ડાળીને ફળ લાગશે.

2યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.

3તે યહોવાહના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;

4પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે. પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે.

5ન્યાયીપણું તેનો કમરપટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.

6ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે.

7ગાય તથા રીંછ સાથે ચરશે અને તેમનાં બચ્ચાં ભેગા સૂઈ જશે. સિંહ બળદની જેમ સૂકું ઘાસ ખાશે.

8ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.

9મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.

10તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે.

11તે દિવસે, પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી પાછા લાવવા માટે બીજીવાર પોતાનો હાથ લાંબો કરશે.

12વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.

13વળી એફ્રાઇમની અદેખાઈ મટી જશે, યહૂદાના વિરોધીઓને નાબૂદ કરવામાં આવશે. એફ્રાઇમ યહૂદાની અદેખાઈ કરશે નહિ અને યહૂદા એફ્રાઇમનો વિરોધ કરશે નહિ.

14તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમોન તેઓના હુકમ માનશે.

15યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે.

16જેમ ઇઝરાયલને માટે મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી તેવી સડક આશૂરમાંથી તેના લોકોના શેષને માટે થશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 11 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran