Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Ezekiel 29 >> 

1દશમા વર્ષના દશમા મહિનાના બારમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

2હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન તરફ મુખ ફેરવ; તેની અને તેના આખા મિસરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચાર.

3અને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે: જો, હે મિસરના રાજા ફારુન, હે નદીમાં પડી રહેનાર, "આ નદી મારી છે, મારે પોતાને માટે બનાવી છે." એવું કહેનાર મોટા મગરમચ્છ, હું તારી વિરુદ્ધ છું!

4કેમ કે હું તારા જડબામાં આંકડી પરોવીશ, તારી નાઇલ નદીની માછલીઓ તારાં ભિંગડાને ચોંટાડીશ; તારા ભિંગડાંમાં ચોંટેલી તારી નદીની બધી માછલીઓ સાથે હું તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.

5હું તને તથા તારી સાથેની નદીની બધી માછલીઓને અરણ્યમાં ફેંકી દઈશ. તું ખેતરની જમીન ઉપર પડી રહેશે. કોઈ તારી ખબર કરશે નહિ કે કોઈ તને ઊંચકશે નહિ. મેં તને પૃથ્વીનાં જીવતાં પશુઓને તથા આકાશનાં પક્ષીઓને ખોરાક તરીકે આપ્યો છે.

6ત્યારે મિસરના બધા રહેવાસીઓ જાણશે કે હું યહોવાહ છું, તેઓ ઇઝરાયલીઓને માટે બરુની લાકડીના ટેકા જેવા થયા છે.

7જ્યારે તેઓએ તને હાથમાં પકડ્યો ત્યારે તું નાસી છૂટ્યો, તેં સર્વના ખભા ચીરી નાખ્યા. જ્યારે તેઓએ તારા પર ટેકો લીધો, ત્યારે તેં તેઓના પગ ભાગી નાખ્યા અને તેઓની કમરો ઢીલી કરી નાખી.

8તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: હે, મિસર, હું તારી વિરુદ્ધ તલવાર ઉઠાવીશ; તારામાંથી માણસ તથા જાનવરો બંનેનો નાશ કરીશ.

9મિસર દેશ વેરાન તથા ઉજ્જડ થઈ જશે; ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું, કેમ કે તે બોલ્યો છે કે "નદી મારી છે અને મેં તે બનાવી છે."

10તેથી, જો, હું તારી અને તારી નદીની વિરુદ્ધ છું, હું મિસરને મિગ્દોલથી સૈયેને સુધી એટલે છેક કૂશની સરહદો સુધી વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ.

11કોઈ માણસનો પગ તેમાં ફરશે નહિ, કોઈ પશુનો પગ તેમાં ફરશે નહિ, અને ચાળીસ વર્ષ સુધી તેમાં કોઈ વસ્તી પણ રહેશે નહિ.

12રહેવાસીઓના દેશો વચ્ચે હું મિસર દેશને ઉજ્જડ બનાવીશ, તેનાં નગરો પાયમાલ થઈ ગયેલાં નગરોની જેમ ચાળીસ વર્ષ સુધી ઉજ્જડ થઈ જશે, હું મિસરવાસીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ, અને તેઓને દેશોમાં વેરી નાખીશ.

13પ્રભુ યહોવાહ આમ કહે છે: ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા હશે તેઓમાંથી તેઓને પાછા એકત્ર કરીશ.

14હું મિસરની જાહોજલાલી પુન:સ્થાપિત કરીશ અને હું તેઓને પાથ્રોસ દેશમાં, તેઓની જન્મભૂમિમાં પાછા લાવીશ. ત્યાં તેઓ એ નબળા રાજ્યમાં રહેશે.

15તે સૌથી નીચું રાજ્ય હશે, અને તે કદી બીજી પ્રજાઓ સામે ઊંચું કરવામાં આવશે નહિ. હું તેઓને એવા ઘટાડી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર રાજ કરી શકશે નહિ.

16તેઓ કદી ઇઝરાયલી લોકોને ભરોસાપાત્ર થશે નહિ, અન્યાયનું સ્મરણ કરીને તેઓ પોતાનાં મુખ મિસર તરફ ફેરવશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!"

17સત્તાવીસમા વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

18"હે મનુષ્યપુત્ર, બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સૈન્ય પાસે તૂરના સૈન્ય વિરુદ્ધ સખત મહેનત કરાવી છે. તેઓના વાળ ખરી પડ્યા અને તેઓના ખભા છોલાઈ ગયા. તેમ છતાં તૂરની વિરુદ્ધ તેઓએ જે સખત મહેનત કરી તેના બદલામાં તેને કે તેના સૈન્યને તૂર પાસેથી કશું વેતન મળ્યું નહિ.

19તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે કે, જુઓ, હું મિસરનો દેશ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને આપીશ, તે તેની સર્વ સંપત્તિ લઈ લેશે, તેની લૂંટનો કબજો કરશે, તેને જે મળ્યું છે તે બધું લઈ લેશે; તે તેના સૈન્યનું વેતન થશે.

20તેણે જે કામ કર્યું છે તેના બદલામાં મેં તેને મિસરનો દેશ આપ્યો છે."' આ પ્રભુ યહોવાહ બોલ્યા છે.

21"તે દિવસે ઇઝરાયલી લોકોમાં એક શિંગ ફૂટી નીકળશે એવું હું કરીશ, હું તેઓ મધ્યે તને બોલતો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું."


  Share Facebook  |  Share Twitter

 <<  Ezekiel 29 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran