Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  James 5 >> 

1હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો.

2તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે.

3તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લા દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.

4જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે.

5તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે.

6ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.

7ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે.

8તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.

9ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે.

10ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિષે તથા ધીરજ માટેના નમૂના, જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો.

11જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણા દયાળુ તથા કૃપાળુ છે.

12પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; આકાશના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈના સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી 'હા' તે 'હા' અને 'ના' તે 'ના' હોય.

13તમારામાં શું કોઇ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં.

14તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી.

15વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે.

16તમે નિરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.

17એલિયાહ સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે 'વરસાદ વરસે નહિ;' તેથી સાડા ત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહિ.

18તેણે ફરી પ્રાર્થના કરી અને આકાશમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.

19મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે,

20તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક પ્રાણને મૃત્યુથી બચાવશે અને તેના ઢગલાબંદ પાપને ઢાંકી દેશે.


  Share Facebook  |  Share Twitter

 <<  James 5 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran