Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Revelation 20 >> 

1મેં એક દૂતને આકાશથી ઊતરતો જોયો, તેની પાસે ઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી.

2તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.

3અને તેણે તેને ઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને સીલ કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડી વાર સુધી તે છૂટો કરવામાં આવશે.

4પછી મેં રાજ્યાસનો જોયાં. અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું; અને જેઓ ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે મારી નંખાયેલા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને [મેં જોયાં]; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.

5મરણ પામેલાઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે.

6પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.

7જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે.

8અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.

9તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને તથા પ્રેમાળ શહેરને ઘેરી લીધું; પણ આકાશમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો.

10શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદા સર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે.

11પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતાં રહ્યાં. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.

12પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.

13સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછાં આપ્યાં, અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો.

14મૃત્યુ તથા હાડેસ અગ્નિની ખાઈમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે.

15જે કોઈ જીવનપુસ્તકમાં નોંધાયેલો જણાયો નહિ તેને અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 20 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran