1ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત અને તેઓની પાસે છેલ્લી સાત આફતો હતી, કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.
2પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો; જેઓએ હિંસક પશુ પર, તેની મૂર્તિ પર, તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.
3તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતા હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભૂત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.
4હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, તમારા નામની સ્તુતિ કોણ નહિ કરશે? કેમકે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમકે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.
5ત્યાર પછી મેં જોયું, તો આકાશમાં સાક્ષ્યમંડપના ભક્તિસ્થાનને ઉઘાડવામાં આવ્યું હતું;
6જે સાત દૂતની પાસે સાત આફતો હતી, તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા; તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા કમર પર સોનાના પટ્ટા બાંધેલા હતા.
7ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણપાત્રો તે સાત દૂતને આપ્યાં.
8ઈશ્વરના મહિમાના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઇ ગયું; સાત દૂતની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઇથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.