Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 80 >> 

1હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરૂબીમ પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!

2એફાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમને બચાવો.

3હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.

4હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.

5તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.

6તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.

7હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.

8તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.

9તમે તેને માટે જગ્યા સાફ કરી; તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.

10તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.

11તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી.

12તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?

13જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.

14હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.

15તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.

16તેને કાપીને બાળવામાં આવી; તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.

17તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો.

18એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.

19હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 80 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran