Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 73 >> 

1ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.

2પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.

3કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.

4કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી, પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.

5તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.

6તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.

7તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે.

8તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે.

9તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.

10એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે.

11તેઓ પૂછે છે કે, "ઈશ્વર કેવી રીતે જાણે છે? શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?"

12જુઓ, આ લોકો દુષ્ટ છે; હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.

13ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.

14કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.

15જો મેં કહ્યું હોત, "હું આ પ્રમાણે બોલીશ," તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.

16તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, એ મારા માટે ખૂબ અઘરી હતી.

17પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.

18ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.

19તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.

20માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.

21કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.

22હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.

23પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.

24તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

25આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.

26મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.

27જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.

28પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે. મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે. હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 73 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran