Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 40 >> 

1મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ; તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.

2તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.

3તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવાહ પર ભરોસો રાખશે.

4જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.

5હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે અને અમારા સંબંધી તમારા જે વિચારો છે તે એટલા બધા છે કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.

6તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, પણ તમે મારા કાન ઉઘાડ્યા છે; તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.

7પછી મેં કહ્યું, "જુઓ, હું આવ્યો છું; પુસ્તકમાં મારા વિષે લખેલું છે.

8હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું."

9ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; હે યહોવાહ, તે તમે જાણો છો.

10મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.

11હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.

12કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.

13હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો; હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.

14જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.

15જેઓ મને કહે છે કે, "આહા, આહા." તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.

16પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, "યહોવાહ મોટા મનાઓ."

17હું દીન તથા દરિદ્રી છું; પ્રભુ મારી ચિંતા કરશે. તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 40 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran