1હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; સંકટને સમયે તમે મને છોડાવજો.
2હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ
3પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
4તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ
5ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
6ઘણા કહે છે, "કોણ અમને કંઈક સારું બતાવશે?" યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
7લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
8હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.