Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 139 >> 

1હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.

2મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.

3જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.

4કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.

5તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.

6આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.

7તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?

8જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.

9જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું,

10તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે તમારો જમણો હાથ મને પકડી રાખશે.

11જો હું કહું, "અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;"

12અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી. રાત દિવસની જેમ પ્રકાશે છે, કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.

13તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.

14હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.

15જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું.

16ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.

17હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!

18જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.

19હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.

20તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.

21હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?

22હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.

23હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.

24જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 139 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran