1હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
2વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ.
3હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
4કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
5હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
6કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
7ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; "હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
8ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.
9મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે; અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ; પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
10મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?"
11હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
12અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
13અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.