Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 105 >> 

1યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.

2તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો.

3તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.

4યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો.

5તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો.

6તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો.

7તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે.

8તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.

9જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી.

10તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.

11તેમણે કહ્યું, "આ કનાન દેશ હું તમને આપીશ તે સર્વદા તમારું પોતાનું વતન થશે."

12તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા.

13તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા.

14તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.

15તેમણે કહ્યું, "મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ."

16તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો.

17તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.

18બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.

19યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો.

20રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.

21તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.

22કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે અને પોતાના વડીલોને ડહાપણ શીખવે.

23પછી યાકૂબ મિસરમાં આવ્યો અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો.

24ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.

25તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.

26તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.

27તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.

28તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ.

29તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.

30તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.

31તે બોલ્યા અને જુઓ તથા ડાંસનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.

32તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો.

33તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.

34તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.

35તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.

36તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.

37તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.

38જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.

39તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.

40ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.

41તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.

42તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.

43તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા.

44તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.

45કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે અને તેમના નિયમોને પાળે. યહોવાહની સ્તુતિ કરો.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 105 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran