Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 10 >> 

1હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?

2દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે; પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.

3કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓને યહોવાહમાં વિશ્વાસ હોતો નથી અને તેઓ તેમની નિંદા કરે છે.

4દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.

5તે બધા સમયે સુરક્ષિત રહે છે, પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી; તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.

6તે પોતાના હૃદયમાં કહે છે, "હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું."

7તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.

8તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે; તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.

9જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે; તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.

10તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.

11તે પોતાના હૃદયમાં કહે છે, "ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ."

12હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો. ગરીબોને ભૂલી ન જાઓ.

13દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે? અને પોતાના હૃદયમાં કહે છે, "તમે બદલો નહિ માગો."

14તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષાખોરોને નજરમાં રાખો છો. નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથને બચાવો છો.

15દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો; તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.

16યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.

17હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;

18તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 10 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran