1હવે એમ થયું કે ઘણા લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતા હતા, ત્યારે ગન્નેસરેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.
2તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા.
3તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હંકારવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.
4ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, 'હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને [માછલાં] પકડવા સારુ તમારી જાળો નાખો.'
5સિમોને ઉત્તર આપ્યો કે, 'ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.'
6તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી.
7તેઓના સાથીઓ બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.
8તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમકે હું પાપી માણસ છું.'
9કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા.
10તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના સાથી હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, 'બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.'
11તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.
12એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તનો એક રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, 'પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.'
13ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, 'હું ચાહું છું, તું શુદ્ધ થા.' અને તરત તેનો રોગ મટી ગયો.
14ઈસુએ તેને આજ્ઞા કરી કે, 'તારે કોઈને કહેવું નહિ, પણ મોઝિસના ફરમાવ્યા પ્રમાણે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુધ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.'
15પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિઘણા લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજા થવા સારુ તેમની પાસે ભેગા થતા હતા.
16પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.
17એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરૂશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને [બીમારને] સાજા કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઇસુની પાસે હતું.
18જુઓ, કેટલાક માણસો પક્ષઘાત પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો;
19પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યા. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.
20ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, 'હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.'
21[તે સાંભળીને] શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, 'આ ઈશ્વરની નિંદા કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?'
22ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, 'તમે પોતાના મનમાં શા વિચાર કરો છો?
23વધારે સહેલું કયું છે, 'તારાં પાપ તને માફ થયાં છે,' એમ કહેવું કે, 'ઊઠીને ચાલ, એમ કહેવું?'
24પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, (તેમણે પક્ષઘાતીને કહ્યું કે) હું તને કહું છું કે 'ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘેર જા.'
25તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો.
26સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, 'આજે આપણે અજાયબ વાતો જોઈ છે.'
27ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક કર ઉઘરાવનાર (દાણી)ને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, 'મારી પાછળ આવ.'
28અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.
29લેવીએ પોતાને ઘેર ઈસુને માટે મોટો સત્કારસમારંભ યોજ્યો. કર ઉઘરાવનાર તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું.
30ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુધ્ધ બડબડાટ કરીને કહ્યું કે, 'તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?'
31ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે તેઓને છે;
32ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.'
33તેઓએ તેને કહ્યું કે, 'યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાયપીએ છે.'
34ઈસુએ તેઓને કહ્યું કે, 'વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?
35પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.'
36ઈસુએ તેઓને એક દ્વષ્ટાંત પણ કહ્યું કે,' નવા કપડામાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના કપડાને થીગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીગડું જૂનાને મળતું નહિ આવે.
37તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે.
38પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
39વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્વાક્ષારસ માગતો નથી, કેમકે તે કહે છે કે. જૂનો સારો છે.'