Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Acts 6 >> 

1તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ ફરિયાદ કરી, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓ ને ટાળવામાં આવતી હતી.

2ત્યારે બાર [પ્રેરિતોએ] બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરની વાત પડતી મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી.

3માટે, ભાઈઓ, તમે તમારામાંથી [પવિત્ર] આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ.

4પણ અમે તો પ્રાર્થનામાં તથા [ઈશ્વરના] વચનની સેવામાં લાગુ રહીશું.

5એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી; અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને,પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.

6તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા; અને પ્રાર્થના કરતાં તેમના પર હાથ મૂક્યા.

7ઈશ્વરની વચનોનો પ્રચાર થતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.

8સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં મોટાં અદ્દભુત કામો તથા ચમત્કારો કર્યાં.

9પણ લિબર્તીની કહેવાતી સભામાંના, કૂરેનીના, એલેકઝાન્દ્રિયાના, કિલીકિયાના તથા આસિયાના કેટલાએક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.

10પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.

11ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યા, જેઓએ કહ્યું કે, અમે તેમને મૂસા તથા ઈશ્વરની વિરુધ્ધ બોલતા સાંભળ્યાં છે.

12તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.

13તેઓએ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્ર ભક્તિસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુધ્ધ દુર્ભાષણ કર્યા કરે છે;

14કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.

15જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એકનજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો દૂતના ચહેરા જેવો દેખાયો.


  Share Facebook  |  Share Twitter

 <<  Acts 6 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran