Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Acts 27 >> 

1અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાએક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.

2અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.

3બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘેર જઈને આરામ કરવાની પરવાનગી આપી.

4ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;

5અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા [બંદરે] પહોંચ્યા.

6ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકઝાંન્ડ્રીયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.

7પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સાલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.

8મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.

9સમય ઘણો થઇ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,

10'ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઇ શકે તેમ છે.

11પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.

12વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઇશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.

13દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.

14પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.

15વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.

16કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને [જીવનરક્ષક હોડીઓ]માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;

17તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.

18અમને બહું તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;

19ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.

20ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ.

21કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રિતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર નહતી.

22પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમકે તમારામાંથી કોઈના પણ જીવને નુકશાન નહિ થશે, એકલા વહાણને થશે.

23કેમકે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,

24'પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.

25એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમકે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.

26તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે.

27ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા[સમુદ્ર]માં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.

28તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર [પાણી] માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર[પાણી] માલૂમ પડ્યું.

29રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા[પાછળનાભાગ] પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.

30ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલાભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા [જીવનરક્ષક હોડીઓ] ઉતાર્યા.

31ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.

32તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.

33દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, 'આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.

34એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઇક ખોરાક લો, કેમકે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.'

35પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.

36ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.

37વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોત્તેર {૨૭૬} માણસો હતા.

38બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.

39દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે [કિનારા] પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.

40લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.

41વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.

42ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.

43પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઈરાદાથી તેઓને એ સલાહને અમલમાં મુકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;

44અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઇ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.


  Share Facebook  |  Share Twitter

 <<  Acts 27 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran