Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Acts 24 >> 

1પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.

2પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસે નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મુકવાનુ શરૂ કરતા કહ્યું કે, 'ઓ નેકનામદાર ફેલીકસ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,

3તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ.

4પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.

5કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઇસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે.

6તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; [[અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા.

7પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા.

8તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.

9યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.

10પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, 'ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.

11કેમકે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરૂશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.

12ભક્તિસ્થાનોમાં, સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.

13મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી.

14પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું.

15હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.

16વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું.

17હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો.

18તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા],

19જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા.

20હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો?

21એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.'

22પણ ફેલીકસને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ.

23તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.

24પણ કેટલાક દિવસ પછી ફેલીકસ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું.

25પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, 'હમણાં તો તું જા, મને અનુકૂળ પપ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.'

26તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા [લાંચ] આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.

27પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીકસ પાઉલને બંધનમાં મૂકી ગયો.


  Share Facebook  |  Share Twitter

 <<  Acts 24 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran