Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Acts 18 >> 

1પછી [પાઉલ] આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.

2પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમકે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે[કૈસરે] આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;

3પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમકે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો [તંબુ ના કપડા વણવાનો] હતો.

4દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને [વચનમાંથી] સમજાવતો હતો.

5પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, 'ઈસુ તે જ ખ્રિસ્ત છે.'

6પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.

7પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘેર ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદન પાસે હતું.

8અને ભક્તિસ્થાનના આગેવાન ક્રીસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.

9પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;

10કેમકે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.

11તે [પાઉલ] તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો.

12પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ [સંપ કરીને] પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને [પાઉલને] ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,

13આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.

14પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, 'ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;

15પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમકે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.'

16એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.

17ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.

18ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઇઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા અકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; [તે પહેલાં] તેણે કેખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમકે પાઉલે શપથ લીધી હતી.

19તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે [પાઉલે] તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.

20પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.

21પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.

22કાઇસારિયા પહોંચ્યા પછી, તેણે યરૂશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.

23થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.

24આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકઝાંડ્રીયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.

25એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;

26તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઇ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.

27પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો [આપોલસનો] આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી;

28કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર [વાદવિવાદ]માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા.


  Share Facebook  |  Share Twitter

 <<  Acts 18 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran