Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Acts 13 >> 

1હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.

2તેઓ પ્રભુની ઉપાસના કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે કામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.

3ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.

4એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.

5તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો.

6તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર [તથા] જૂઠો પ્રબોધક હતો.

7[ટાપુનો] હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે [હાકેમે] બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનુ વચન સાંભળવાની ઇચ્છા બતાવી.

8પણ એલિમાસ જાદુગર (કેમ કે તેના નામનો અર્થ એ જ છે,) તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઈરાદા સાથે તેઓની સામો થયો.

9પણ શાઉલે (જે પાઉલ પણ કહેવાય છે), પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકનજરે જોઇને કહ્યું કે,

10'અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?'

11હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.

12અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.

13પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા [બંદર] માં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરૂશાલેમ પાછો ચાલ્યો ગયો.

14પણ તેઓ પેર્ગાથી આગળ જતાં પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.

15ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો [નાં વચનો ]નું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.

16ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઈઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;

17આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.

18ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.

19અને કનાન દેશમાંનાં સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;

20એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.

21ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.

22પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, 'મારો મનગમતો એક માણસ, એટલે યશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.'

23એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉધ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.

24તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.

25યોહાન પોતાની દોડ પુરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, 'હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, એક [વ્યક્તિ] મારી પાછળ આવે છે કે, જેમના પગનાં ચંપલની ચામડાની દોરી છોડવાને હું યોગ્ય નથી.'

26ભાઈઓ, ઇબ્રાહિમના વંશજો તથા તમારામાંના ઈશ્વરનું વચન જાળવનારાઓ, આપણી પાસે એ તારણની વાત મોકલવામાં આવી છે.

27કેમ કે યરૂશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને [તે ભવિષ્યની વાતો] પૂર્ણ કરી.

28મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.

29તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.

30પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.

31અને તેમની સાથે ગાલીલથી યરૂશાલેમમાં આવેલા માણસોને ઘણા દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.

32અને જે વચન આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છીએ કે,

33ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે [વચન] પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં (ગી.શા.2)માં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.

34તેમણે [ઈશ્વરે] તેમને [ઈસુને] મરણમાંથી ઉઠાડયા, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા અચળ [આશીર્વાદો] હું તમને આપીશ.

35એ માટે બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના [દેહને] સડવા દેશો નહી.

36કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.

37પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.

38એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના [ઈસુના] દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.

39અને જે [બાબતો] વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.

40માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,

41'ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.'

42અને તેઓ [ભક્તિસ્થાનમાંથી] બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, 'આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો'.

43સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા [નવા] યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણા પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.

44બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.

45પણ લોકોની ભીડ જોઇને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું.

46ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, 'ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.

47કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, "મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યા છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉધ્ધાર સિધ્ધ કરનારા થાઓ."

48એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલા નિર્માણ કરાયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો.

49તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.

50પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને તેઓને કાઢી મૂક્યા.

51પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઇકોનિયમ ગયા.

52શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.


  Share Facebook  |  Share Twitter

 <<  Acts 13 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran