Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Acts 12 >> 

1આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.

2તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.

3યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઇને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના [પર્વના] દિવસો હતા.

4તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખા [પર્વ] પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો.

5તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી.

6હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.

7ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી.

8દૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી દૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ.

9તે બહાર નીકળીને દૂતની પાછળ ગયો; અને દૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું.

10તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

11જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.

12પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘેર આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા.

13તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી.

14તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે.

15તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે [હું કહું છું] તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો દૂત હશે.

16પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યાં.

17પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા [બીજા] ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો.

18સૂર્યોદય થયો ત્યારે સિપાઇઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે, પિતરનું શું થયું હશે?

19હેરોદે તેની શોધ કરી, પણ તે તેને મળ્યો નહિ, ત્યારે તેણે ચોકીદારોને પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો; પછી યહૂદિયાથી નીકળીને [હેરોદ] કાઈસારિયામાં ગયો, અને ત્યાં રહ્યો.

20હવે તૂરના તથા સિદોનના લોક પર [હેરોદ] ઘણો ગુસ્સે થયો હતો; પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય સેવક બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સુલેહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો.

21પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.

22ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો ઈશ્વરની છે, માણસની નથી.

23તેણે [હેરોદે] ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.

24પણ ઈશ્વરની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ,

25બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરૂશાલેમથી પાછા આવ્યા.


  Share Facebook  |  Share Twitter

 <<  Acts 12 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran