Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  The Song of Songs 7 >> 

1હે શાહજાદી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે! તારી જાંઘોના સાંધા, કુશળ કારીગરે હાથે જડેલા ઝવેરાત જેવા છે.

2તારી નાભિ સુંદર ગોળાકાર પ્યાલા જેવી છે; કે જેમાં મિશ્રિત દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ગુલછડીથી શણગારેલી, ઘઉંની ઢગલીના જેવું છે.

3તારાં બે સ્તન જાણે હરણીના, મનોહર જોડકાં બચ્ચાં જેવા છે.

4તારી ગરદન હાથીદાંતના બુરજ જેવી છે; તારી આંખો હેશ્બોનમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલા કુંડ જેવી છે. તારું નાક જાણે દમસ્કસ તરફના લબાનોનના બુરજ જેવું છે.

5તારું શિર કાર્મેલ પર્વત જેવું છે; તારા શિરના કેશ જાબુંડા રંગના છે. રાજા તારી લટોમાં પોતે બંદીવાન બની ગયો છે.

6મારી પ્રિયતમા તું કેવી પ્રેમાળ અને અતિસુંદર છે, તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!

7તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તનો દ્રાક્ષાની લૂમો જેવા છે.

8મેં વિચાર્યું કે, "હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ; હું તેની ડાળીઓ પકડીશ." તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય, તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય.

9તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય, જે દ્રાક્ષારસ મારા પ્રીતમ માટે છે, અને તેના હોઠો તથા દાંત ઉપર થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.

10હું મારા પ્રીતમની છું અને તે મારા માટે ઇચ્છા રાખે છે.

11હે મારા પ્રીતમ, ચાલ, આપણે નગરમાં જઈએ; અને આપણે ગામોમાં ઉતારો કરીએ.

12આપણે વહેલા ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ, તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ. ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.

13ત્યાં રીંગણીઓ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણા આંગણામાં સર્વ પ્રકારનાં જૂનાં અને નવાં ફળો છે, તે હે મારા પ્રીતમ, મેં તારા માટે સાચવી રાખ્યાં છે.


  Share Facebook  |  Share Twitter

 <<  The Song of Songs 7 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran