Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Exodus 36 >> 

1બસાલેલ, આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના હૃદયમાં યહોવાહે પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ, અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાહે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે."

2પછી મૂસાએ બસાલેલ, આહોલીઆબ તથા જે કારીગરોને યહોવાહે કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે સર્વને બોલાવ્યા અને કામ શરૂ કરવા જણાવ્યું.

3જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી અર્પણ લાવતા હતા.

4તેથી પવિત્રસ્થાનનું કામ કરનારા બધા જ કારીગરો પોતપોતાનું કામ છોડીને આવ્યા.

5તેઓએ મૂસાને કહ્યું, "યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે."

6તેથી મૂસાએ આખી છાવણીમાં એવી સૂચનાઓ આપી કે પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈએ હવે કંઈ કાર્ય ન કરવું. પછી લોકો ભેટો લાવતા અટક્યા.

7અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું.

8તેઓમાંના પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે ભૂરા, જાંબુડા, કિરમજી રંગના, ઝીણા કાંતેલા શણના તથા લાલ ઊનના દશ પડદાઓનો મંડપ બનાવ્યો. આ કામ બસાલેલનું હતું, જે હોશિયાર કારીગર હતો.

9પ્રત્યેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ તથા પ્રત્યેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.

10બસાલેલે પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બીજા પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા.

11તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું.

12એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા પડદામાં કિનારે તેણે પચાસ નાકાં બનાવ્યાં. આમ નાકાં એકબીજાની સામસામે હતા.

13આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો.

14એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યાં.

15પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા.

16તેણે પાંચ પડદા એકબીજા સાથે જોડ્યા અને બીજા છે પડદાને એકબીજા સાથે જોડ્યા.

17તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં.

18તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળના પચાસ ચાપડા બનાવ્યાં.

19તેણે તંબુને માટે જાનવરના લાલ રંગેલાં ચામડાંનું આચ્છાદન બનાવ્યું અને તે પર ચામડાંનું આચ્છાદન બનાવ્યું.

20બસાલેલે પવિત્રમંડપને માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં.

21પ્રત્યેક પાટિયાની લંબાઈ દશ હાથ અને દરેક પાટિયાની પહોળાઈ દોઢ હાથ હતી.

22પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું.

23તેણે મંડપને માટે પાટિયાં બનાવ્યાં. તેણે દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.

24બસાલેલે તે વીસ પાટિયાંની નીચે ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયાં નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ પણ બનાવી.

25ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.

26અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી.

27મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં.

28તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં.

29તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું.

30આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી.

31તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાને સારુ પાંચ,

32મંડપની બીજી બાજુનાં પાટિયાને સારુ પાંચ ભૂંગળો અને પશ્ચિમ તરફ મંડપની પછીના પાટિયાંને માટે પાંચ ભૂંગળો.

33તેણે વચલી ભૂંગળને પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધીની અડધી ઊંચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી.

34તેણે આ પાટિયાઓ સોનાથી મઢ્યાં. તેણે ભૂંગળોને રાખવાની જગ્યાને માટે સોનાનાં કડાં બનાવ્યાં અને ભૂંગળોને સોનાથી મઢી.

35તેણે ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. નિપુણ કારીગરે કરુબોવાળો તે બનાવ્યો.

36તેણે તેને સારુ બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યાં અને તેઓને સોનાથી મઢ્યા. તેઓના આંકડા સોનાના હતા અને તેણે તેઓને સારુ ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.

37તેણે મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો.

38તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુદ્ધાં અને તેણે તેઓના મથાળાં તથા ચીપો સોનાથી મઢ્યા અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.


  Share Facebook  |  Share Twitter

 <<  Exodus 36 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran