Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Exodus 35 >> 

1મૂસાએ સર્વ ઇઝરાયલીઓની એક સભા ભેગી કરીને તેઓને કહ્યું, "આ બાબતો એ છે કે યહોવાહે તમને પાળવા માટે આજ્ઞા આપી છે.

2છે દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાહને માટે તે વિશ્રામનો સાબ્બાથ થાય. તે દિવસે જે કોઈ કામ કરે તે મારી નંખાય.

3સાબ્બાથના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ."

4મૂસાએ ઇઝરાયલીઓની આખી સભાને કહ્યું, "જે આજ્ઞા યહોવાહે આપી છે તે આ પ્રમાણે છે.

5યહોવાહને માટે તમારામાંથી અર્પણ લો, જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાહને સારુ અર્પણ લાવે: એટલે સોનું, ચાંદી, પિત્તળ,

6ભૂરા, જાંબુડિયા, કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ;

7ઘેટાંનું પકવેલું ચામડું, સીલ માછલાંના ચામડાં, બાવળનાં લાકડાં;

8દીવાને માટે તેલ, અભિષેકના તેલ માટે, સુંગધીદાર ધૂપ માટે સુગંધી દ્રવ્યો,

9ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો.

10તમારામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાહે જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે;

11પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ;

12કોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.

13મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી;

14દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;

15ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ તથા મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માટેનો પડદો;

16યજ્ઞવેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના પાત્રો, કુંડી તથા તેનું તળિયું.

17આંગણાની ભીંતો માટેના પડદાઓ, સ્તંભો તથા તેઓની કૂંભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માટેના પડદાઓ;

18મુલાકાતમંડપના અને તેના આંગણા માટેના સ્તંભો, આંગણાની દોરીઓ;

19પવિત્રસ્થાનમાં સેવા કરવાના માટે ઝીણાં વણેલાં વસ્ત્રો, એટલે યાજકપદ બજાવવાને માટે હારુન યાજકનાં પવિત્ર વસ્ત્રો અને તેના દીકરાઓના વસ્ત્રો."

20પછી ઇઝરાયલીઓની સમગ્ર સભા મૂસાની હજૂરમાંથી રવાના થઈ.

21જેઓને હોંશ હતી અને જેઓના હૃદયોમાં આપવાની ઇચ્છા હતી તે સર્વ આવ્યા અને મુલાકાતમંડપના કામને સારુ તથા તેની સર્વ સેવાને સારુ તથા પવિત્ર વસ્ત્રોને સારુ યહોવાહને માટે અર્પણ લાવ્યા.

22જેટલાં પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતાં, તેઓ આવ્યા. તેઓ નથનીઓ, કડીઓ, વીંટીઓ, બંગડીઓ તથા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં. યહોવાહને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું.

23પ્રત્યેક માણસ જેની પાસે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનાં ઊન, ઝીણું શણ, બકરાંના વાળ, જાનવરોના રાતાં રંગીલાં ચામડાં તથા શીલ માછલાંનાં ચામડાં મળી આવ્યાં તે પણ તે લઈ આવ્યો.

24જે કોઈએ પણ યહોવાહને ચાંદી કે પિત્તળનું અર્પણ ચઢાવ્યું તે સૌ તે લાવ્યા અને પ્રત્યેક માણસ જેની પાસે સેવાના કોઈ પણ કામને માટે બાવળનું લાકડું મળી આવ્યું તે તે લાવ્યો.

25સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતે કાંતેલું, એટલે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણું શણ લાવી.

26જે સર્વ સ્ત્રીઓના હૃદયમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યા.

27અધિકારીઓ ગોમેદ પાષાણ, એફોદ તથા ઉરાવરણમાં જડવા માટે પાષાણો લાવ્યા.

28તેમ જ દીવા, અભિષેકના તેલ, સુગંધીદાર ધૂપને માટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.

29આ પ્રમાણે ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાહને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાહે કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.

30મૂસાએ ઇઝરાયલી લોકોને કહ્યું, "જુઓ, યહોવાહે યહૂદાના કુળના હૂરના દીકરા ઊરીના દીકરા, બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.

31બુદ્ધિ, સમજણ, જ્ઞાન તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતે યહોવાહે તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.

32એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,

33જડવાને માટે પાષાણ કોતરવામાં, લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે.

34યહોવાહે તેને તથા દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને તેણે શીખવવાનું મન આપ્યું છે.

35તેણે તેઓને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે કે તેઓ કોતરણીનું, સીવણનું, ભરતકામના કિરમજી રંગના કાપડના પડદાઓના ભરતકામ તૈયાર કરવાનું, ભૂરા, જાંબુડિયા તથા કિરમજી ઊનના અને ઝીણા શણના ભરત ભરનારની અને વણકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હરકોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કાર્યો યોજનારાઓની કારીગરી કરે.


  Share Facebook  |  Share Twitter

 <<  Exodus 35 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran