Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Genesis 7 >> 

1ઈશ્વરે નૂહને કહ્યું, "તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.

2દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે.

3તેની સાથે આકાશનાં પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.

4સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ."

5ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.

6જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી.

7જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.

8શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા,

9તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર વહાણમાં ગયા.

10સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.

11નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.

12ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.

13તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો.

14તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.

15સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં.

16જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.

17પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.

18પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.

19પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા.

20પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ.

21પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા.

22કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.

23આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.

24પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.


  Share Facebook  |  Share Twitter

 <<  Genesis 7 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran