Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Genesis 40 >> 

1એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો.

2ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.

3જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.

4અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.

5આ કેદી પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.

6યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા.

7ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, "તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?"

8તેઓએ તેને કહ્યું, "અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી." યૂસફે તેઓને કહ્યું, "અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!"

9મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, "જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો.

10તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી.

11ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો."

12યૂસફે તેને કહ્યું, "એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.

13ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.

14પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે.

15કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી."

16જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, "મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી.

17ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં."

18યૂસફે ઉત્તર આપીને કહ્યું, "એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.

19ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે."

20ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.

21તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પોતાની ફરજ શરૂ કરી.

22યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.

23પણ મુખ્ય પાત્રવાહકે યૂસફને યાદ કર્યો નહિ. તે તેને ભૂલી ગયો.


  Share Facebook  |  Share Twitter

 <<  Genesis 40 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran