1હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું.
2તેથી સારાયે ઇબ્રામને કહ્યું, "જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું." ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
3ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી.
4ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.
5પછી સારાયે ઇબ્રામને કહ્યું, "મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો."
6પણ ઇબ્રામે સારાયને કહ્યું, "તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર." તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.
7અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ.
8દૂતે તેને કહ્યું, "સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?" અને તેણે કહ્યું, "મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું."
9ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે."
10વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, "હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે."
11દૂતે તેને એ પણ કહ્યું, "તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.
12તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની સાથે દુશ્મનાવટથી રહેશે."
13પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ "એલ-રોઈ" પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?"
14તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.
15હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું.
16જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.