Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Genesis 15 >> 

1પછી ઈશ્વરે દર્શનદ્વારા ઇબ્રામ સાથે વાત કરતાં કહ્યું, "ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ."

2ઇબ્રામે કહ્યું, "પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કનો એલીએઝેર બનશે."

3ઇબ્રામે કહ્યું, "તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે."

4પછી ઈશ્વરે તેને કહ્યું, "એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે."

5પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, "તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ," પછી તેમણે તેને કહ્યું, "એ તારાઓ જેટલાં તારા સંતાન થશે."

6તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો.

7ઈશ્વરે તેને કહ્યું, "આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું."

8તેણે કહ્યું, "પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?"

9પછી તેમણે તેને કહ્યું, "મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે."

10તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ.

11જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.

12પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો.

13પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.

14તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.

15પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે.

16તારા વંશજો ત્યાંથી ચોથી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અત્યારે અહીં રહેતા અમોરીઓના પાપનો ઘડો ત્યારે ભરાઈ જશે અથવા તેઓ શિક્ષાને પાત્ર થશે."

17સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતી સગડી તથા બળતી મશાલ એ ટુકડાંઓની વચ્ચેથી પસાર થઈ.

18તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, "મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે-

19કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;

20હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો;

21અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે."


  Share Facebook  |  Share Twitter

 <<  Genesis 15 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran