Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Leviticus 7 >> 

1દોષાર્થાર્પણનો નિયમ આ છે. તે પરમપવિત્ર છે.

2જે જગ્યાએ દહનીયાર્પણ કપાય છે, ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે અને તેનું રક્ત તેઓ વેદીની ચારે બાજુએ છાંટે.

3તેણે તેમાંની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી: પુષ્ટ પૂંછડી, આંતરડાં પરની ચરબી,

4બન્ને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી તથા કલેજા પરનો ચરબીવાળો ભાગ મૂત્રપિંડો સહિત કાઢી લેવાં.

5યાજક યહોવા પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે. આ દોષાર્થાર્પણ છે.

6યાજકોમાંનો દરેક પુરુષ તે ખાઈ શકે. તેને પવિત્રસ્થાને જ ખાવું કેમ કે તે પરમપવિત્ર છે.

7પાપાર્થાર્પણ દોષાર્થાર્પણ જેવું જ છે. તે બન્નેને માટે એક સરખા જ નિયમો લાગુ પડે છે. જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે, તેને તે મળે.

8જે યાજક કોઈ માણસ વતી દહનીયાર્પણ ચઢાવે, તે જ યાજક પોતે ચઢાવેલા દહનીયાર્પણનું ચામડું પોતાને માટે લે.

9ભઠ્ઠીમાં શેકેલું, કડાઈમાં કે તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચઢાવનાર યાજકનું થાય.

10સર્વ તેલવાળું કે તેલ વગરનું ખાદ્યાર્પણ હારુનના સર્વ વંશજોના સરખે ભાગે ગણાય.

11આ શાંત્યર્પણોના યજ્ઞો યહોવા પ્રત્યે જે લોકો ચઢાવે, તેનો નિયમ આ પ્રમાણે છે.

12જો કોઈ વ્યક્તિ આભારસ્તુતિ માટે અર્પણ ચઢાવતી હોય, તો તે આભારર્થાર્પણની સાથે ખમીર વગરની રોટલી, પણ તે તેલ સાથે મિશ્ર કરેલી હોય, પૂરીને ખમીર વગર બનાવવી, પણ તેના પર તેલ લગાવવું અને કેકને મોહેલા મેંદાના લોટથી બનાવવી.

13આભારસ્તુતિને અર્થે પોતાનાં શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલીનું તે અર્પણ કરે.

14તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાહને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યર્પણોનું રક્ત વેદી પર છાંટનાર યાજકનું તે ગણાય.

15આભારસ્તુતિને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તે તેમાંથી કંઈ પણ બીજા દિવસની સવાર સુધી રહેવા ન દે.

16પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે એ ખાય, પણ બાકી રહેલું માંસ તે બીજે દિવસે ખાય.

17પણ યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું.

18જો તેનાં શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારનાં લાભમાં તે ગણાશે પણ નહિ. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.

19જે માંસને કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહિ. તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય, તે તે માંસ ખાય.

20પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી, એટલે જે યહોવાહનું છે, તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.

21જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાહને માટેનાં શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય, તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય.'"

22પછી યહોવાહે મૂસાને કહ્યું,

23"ઇઝરાયલી લોકોને બોલાવીને કહે કે, 'તમારે કોઈ બળદ, ઘેટાં અથવા બકરાની ચરબી ખાવી નહિ.

24કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ મારી નાખેલા પશુની ચરબીનો બીજી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરવો પણ તમારે તે ખાવું નહિ.

25જો કોઈ માણસ યહોવાહને પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની ચરબી જે કોઈ ખાય, તે ખાનાર માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.

26તમે કોઈપણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈપણ ઘરોમાં ન ખાઓ.

27જે વ્યક્તિ કોઈપણનું રક્ત ખાય તો તે માણસ તેના લોકોમાંથી અલગ કરાય.'"

28તેથી યહોવાહે મૂસાને કહ્યું,

29"ઇઝરાયલી લોકોને આમ કહે કે, 'જે કોઈ વ્યક્તિ યહોવાહને શાંત્યર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાહને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો.

30તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.

31યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારુન તથા તેના વંશજોનો થાય.

32તમારાં શાંત્યર્પણોના યજ્ઞોમાંથી જમણી જાંઘ ઉચ્છાલીયાર્પણને સારુ તમારે યાજકને આપવી.

33જમણી જાંઘ, હારુનના વંશજોમાંનો, યાજક, જે શાંત્યર્પણોનું રક્ત તથા તેની ચરબી ચઢાવે તેના ભાગમાં જાય.

34કેમ કે ઇઝરાયલી લોકોએ ચઢાવેલા શાંત્યર્પણનાં પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉં છું અને મેં તે હારુન, પ્રમુખ યાજકને તથા તેના વંશજોને તેઓના હંમેશના બાના તરીકે આપ્યાં છે.

35જે દિવસે મૂસાએ હારુન તથા તેના પુત્રોને યાજક તરીકે રજૂ કર્યા તે દિવસથી યહોવાહને અગ્નિથી કરેલ અર્પણનો હિસ્સો તે આ પ્રમાણે છે:

36જે દિવસે યાજકનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાહે આ ભાગો તેમને આપવાની ઇઝરાયલીઓને આજ્ઞા કરી હતી. આ નિયમ સદા માટે તેમના બધા વંશજોને માટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.

37દહનીયાર્પણનો, ખાદ્યાર્પણનો, પાપાર્થાર્પણનો, દોષાર્થાર્પણનો, પ્રતિષ્ઠાક્રિયાનો તથા શાંત્યર્પણના યજ્ઞના નિયમો આ પ્રમાણે છે.

38સિનાઈના અરણ્યમાં યહોવાહને સારુ અર્પણ ચઢાવવાની ઇઝરાયલી લોકોને તેણે આજ્ઞા કરી હતી, તે દિવસે યહોવાહે સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાણે આજ્ઞા કરી હતી.'"


  Share Facebook  |  Share Twitter

 <<  Leviticus 7 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran