Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hosea 12 >> 

1એફ્રાઇમ વાયુ પર નિર્વાહ કરે છે. પૂર્વના પવન પાછળ જાય છે. તે જૂઠ તથા હિંસાની વૃદ્ધિ કરે છે, તેઓ આશૂરની સાથે કરાર કરે છે, અને મિસરમાં જૈતૂનનું તેલ લઈ જવામાં આવે છે.

2યહૂદિયા વિરુદ્ધ યહોવાહને દલીલ છે તેઓ યાકૂબને તેનાં કૃત્યોની સજા આપશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને સજા આપશે.

3ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી.

4તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો. તે રડ્યો અને કૃપા માટે યાચના કરી. તે બેથેલમાં ઈશ્વરને મળ્યો; ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી.

5હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; "યહોવાહ" તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.

6માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો. ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો, તમારા ઈશ્વરની રાહ જોતા રહો.

7વેપારીઓના હાથમાં તો ખોટાં ત્રાજવાં છે, તેઓને છેતરપિંડી ગમે છે.

8એફ્રાઇમ કહે છે, "ખરેખર, હું તો ધનવાન થયો છું, મને સંપત્તિ મળી છે. મારાં સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહિ, કે જેનાથી પાપ થાય."

9"મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.

10મેં પ્રબોધકો સાથે વાત કરી છે. મેં તેઓને ઘણાં સંદર્શનો આપ્યાં છે. મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે."

11જો ગિલ્યાદમાં દુષ્ટતા છે, લોકો તદ્દન વ્યર્થતારૂપ છે. તેઓ ગિલ્ગાલમાં બળદોનું બલિદાન કરે છે; તેઓની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી છે.

12યાકૂબ અરામ દેશમાં નાસી ગયો છે; ઇઝરાયલે પત્ની મેળવવા માટે કામ કર્યું, તેણે પત્ની મેળવવા માટે ઘેટાંને ચરાવ્યાં.

13પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા, પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.

14એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Hosea 12 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran