Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Galatians 2 >> 

1ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસની સાથે ફરી પાછો યરુશાલેમ ગયો અને તિતસને પણ સાથે લઈ ગયો.

2પ્રકટીકરણ દ્વારા મળેલી ઈશ્વરની આજ્ઞાથી હું ત્યાં ગયો અને જે સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું છું, તે જેઓ પ્રતિષ્ઠિત હતા તેઓને ગુપ્ત રીતે કહી સંભળાવી, રખેને હું વ્યર્થ દોડતો હોઉં અથવા દોડ્યો હોઉં.

3પણ તિતસ જે મારી સાથે હતો, તે ગ્રીક હોવા છતાં પણ સુન્નત કરાવવાની તેને ફરજ પાડવામાં આવી નહિ.

4આપણા સમુદાયમાં જોડાયેલા દંભી ભાઈઓને લીધે એમ થયું કે ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની જાસૂસી કરવા સારુ તેઓ ગુપ્ત રીતે અંદર આવ્યા હતા, એ માટે કે તેઓ આપણને પાછા ગુલામીમાં લાવે.

5તેઓને અમે એક ઘડીભર પણ આધીન થયા નહિ, કે જેથી સુવાર્તાનું સત્ય તમારામાં ચાલુ રહે.

6અને જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા (તેઓ ગમે તેવા હતા તેનાથી મને કંઈ ફરક પડતો નથી; ઈશ્વર માણસોની રીતે કોઈનો પક્ષપાત કરતા નથી) હા, જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા, તેઓએ મારી સુવાર્તામાં કંઈ પણ વધારો કર્યો નહિ;

7પણ તેથી વિરુધ્ધ, જયારે તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્નતીઓમાં (યહૂદીઓમાં) સુવાર્તાની સેવા સોંપાયેલી છે, તેમ મને બેસુન્નતીઓમાં (બિનયહૂદીઓમાં) એ સેવા સોંપાયેલી છે,

8(કેમ કે જેમણે સુન્નતીઓનો (યહૂદીઓનો) પ્રેરિત થવા સારુ પિતરને પ્રેરણા કરી, તેમણે બેસુન્નતીઓનો (બિનયહૂદીઓનો) પ્રેરિત થવા સારુ મને પણ પ્રેરણા કરી;)

9અને મને પ્રાપ્ત થયેલો અનુગ્રહ જયારે તેઓએ જાણ્યો, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ આધારસ્તંભ જેવા ગણાતા હતા, તેઓએ મારો તથા બાર્નાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો, કે જેથી અમે બિનયહૂદીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની (યહૂદીઓની) પાસે જાય.

10તેઓએ એટલું જ ઇચ્છ્યું કે અમે ગરીબોને મદદ કરીએ અને તે જ કરવાને હું આતુર હતો.

11પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં સામે ચાલીને તેનો વિરોધ કર્યો, કેમ કે તે દોષિત હતો;

12કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, યહૂદીઓથી ડરીને તે ખસી ગયો અને અળગો રહ્યો.

13બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે દંભ કર્યો, એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના દંભથી દંગ થઈને પાછો પડ્યો.

14પણ જયારે મેં જોયું કે તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકતાથી ચાલતા નથી, ત્યારે મેં બધાની આગળ પિતરને કહ્યું કે, જો તું યહૂદી હોવા છતાં યહૂદીઓની રીતે નહિ, પણ બિનયહૂદીઓની રીતે વર્તે છે, તો બિનયહૂદીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવા તું કેમ ફરજ પાડે છે?

15આપણે જેઓ જન્મથી યહૂદી છીએ અને પાપી બિનયહૂદીઓ નથી તેઓ

16જાણીએ છીએ કે, મનુષ્ય નિયમની કરણીઓથી નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમની કરણીઓથી કોઈપણ મનુષ્ય ન્યાયી ઠરશે નહિ.

17પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના પોષક છે? કદી નહિ.

18કેમ કે જેને મેં પાડી નાખ્યું, તેને હું ફરીથી બાંધુ, તો હું પોતાને અપરાધી ઠરાવું છું.

19કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમ દ્વારા નિયમ પ્રત્યે મૃત્યુ પામ્યો છું.

20હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તો પણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં મારી જે હયાતી છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.

21હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો ન્યાયીપણું નિયમથી મળતું હોય તો ખ્રિસ્તના મરણનો કોઈ અર્થ નથી.


  Share Facebook  |  Share Twitter

 <<  Galatians 2 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran