Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Esther 3 >> 

1તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ બઢતી આપી. તેણે તેની બેઠક સર્વ અમલદારોથી ઊંચી રાખી.

2રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિષે એવી આજ્ઞા કરી હતી. પરંતુ મોર્દખાય નમસ્કાર કરતો ન હતો. અને માન પણ આપતો ન હતો.

3તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું, "તું શા માટે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે? "

4તેઓ દરરોજ તેને પૂછયા કરતા હતા પણ તે તેઓની વાત સાંભળતો નહોતો. ત્યારે એમ થયું કે તે મોર્દખાયની આવી વર્તણૂંક સહન કરે છે કે કેમ તે જોવા સારુ તેઓએ આ બાબત હામાનને કહી દીધી. કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે' હું યહૂદી છું.

5જ્યારે હામાને જોયું કે, મોર્દખાય મને નમસ્કાર કરતો નથી અને મને માન પણ આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો.

6પણ એકલા મોર્દખાય પર હાથ નાખવો એ વિચાર તેને યોગ્ય લાગ્યો નહિ કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તેથી હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો, એટલે મોર્દખાયની આખી કોમનો વિનાશ કરવા વિષે વિચાર્યું.

7અહાશ્વેરોશ રાજાના બારમા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નીસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિમહિનાને માટે ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.

8ત્યારે હામાને રાજાને કહ્યું, "આપના રાજ્યના બધા પ્રાંતોના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. બીજા બધા લોકો કરતાં તેઓના રીતરિવાજો જુદા છે અને તેઓ આપના એટલે રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા તે તમારા હિતમાં નથી."

9માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દસ હજાર તાલંત રૂપું રાજભંડારમાં લઈ જવા માટે આપીશ.''

10એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને તે આપી.

11રાજાએ હામાનને કહ્યું કે, "તારું રૂપું તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યાં છે, તને જેમ ઠીક લાગે તેમ કર."

12ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.

13સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધાં પ્રાંતોમાં મોકલવામાં આવ્યા કે, એક જ દિવસે એટલે કે બારમા માસ અદાર માસની તેરમી તારીખે બધા જ યહૂદીઓનો જુવાન, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો. કતલ કરીને તેઓને મારી નાખવાં અને તેઓની માલમિલકત લૂંટી લેવી.

14આ હુકમ બધા પ્રાંતોમાં જાહેર થાય માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે.

15સંદેશાવાહકો રાજાની આજ્ઞા પ્રમાણે તરત જ રવાના થયા. તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષારસ પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ અને તરખાટ મચી રહ્યો.


  Share Facebook  |  Share Twitter

 <<  Esther 3 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran