Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Esther 1 >> 

1અહાશ્વેરોશ રાજા જે સિંધુપ્રાંતથી તે કૂશ સુધીના એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો તેના સમયમાં એવું બન્યું કે,

2રાજા અહાશ્વેરોશ સૂસાના મહેલમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતો તે દરમિયાન,

3તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારો અને તેના સેવકોને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરઉમરાવો તથા સરદારો તેની સમક્ષ ઉપસ્થિત હતા.

4ત્યારથી તેણે પોતાના વિખ્યાત રાજ્યનું ગૌરવ અને પોતાના મહાપ્રતાપનો વૈભવ સતત એકસો એંશી દિવસ પ્રદર્શિત કર્યા.

5એ દિવસો પછી રાજાએ સૂસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાનામોટાં સર્વ લોકોને, સાત દિવસ સુધી મહેલના બાગના ચોકમાં મિજબાની આપી.

6ત્યાં સફેદ, ભૂરા તથા જાંબુડી રંગના કાપડના પડદા ચાંદીની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો લાલ,ધોળા, પીળા તથા કાળાં આરસપહાણની ફરસબંધી પર સજાવેલા હતા.

7તેઓને પીવા માટેના પ્યાલા સોનાના હતા. એ પ્યાલા વિશિષ્ઠ પ્રકારના હતા. અને રાજાની ઉદારતા પ્રમાણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મદીરા હતો.

8તે માપસર પીવામાં આવતો હતો, જોકે કોઈને પીવા માટે દબાણ કરી શકાતું ન હતું. કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, "તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે મદીરા પીરસવો."

9રાજાની રાણી વાશ્તીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં ભવ્ય મિજબાની આપી.

10સાતમે દિવસે જયારે રાજા દ્રાક્ષારસમાં મગ્ન હતો ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ એ સાત ખોજા જેઓ તેના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી

11''વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકો તથા સરદારો સમક્ષ પ્રદર્શિત કરવા માટે મારી સમક્ષ હાજર કરો. તે દેખાવમાં ખૂબ રૂપાળી હતી.

12પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે રાજાની સમક્ષ ઉપસ્થિત થવાની વાશ્તી રાણીએ ચોખ્ખી ના પાડી દીધી. આથી રાજા એટલો બધો ઉગ્ર થયો કે તે ક્રોધથી તપી ગયો.

13તેથી રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું. કેમ કે તે સમયે નિયમ તથા રૂઢી જાણનાર સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો.

14હવે જેઓ રાજાની ખૂબ જ નિકટ હતા તેઓ કાર્શના, શેથાર આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના, અને મમૂખાન હતા. તેઓ સાત ઈરાનના અને માદાયના સરદારો હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પ્રથમ હરોળની બેઠકોના હકદાર હતા.

15રાજાએ પૂછ્યું "કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે તેણે ખોજાઓ મારફતે આપેલી મારી આજ્ઞાની અવગણના કરી છે."

16પછી રાજા અને તેના સરદારો સમક્ષ મમૂખાને જણાવ્યું કે, "વાશ્તી રાણીએ કેવળ અહાશ્વેરોશ રાજાની વિરુદ્ધ જ નહિ પરંતુ રાજ્યના સર્વ પ્રાંતોના સર્વ સરદારો તથા તમામ લોકો વિરુદ્ધ પણ અપરાધ કર્યો છે.

17જો રાણીએ કરેલું આ વર્તન સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે, તો સર્વત્ર એવી વાત પ્રસરી જશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સમક્ષ આવવાની આજ્ઞા કરી પણ તે આવી નહિ.' એથી દેશની સ્ત્રીઓ પોતાના પતિઓને તુચ્છકારપાત્ર ગણશે.

18જો ઈરાન તથા માદ્દાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના આ કૃત્ય વિષે સાંભળ્યું હશે તો તેઓ પણ પોતાના પતિઓને એવા જ ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે.

19જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહિ માટે ઈરાન તથા માદ્દાયના કાયદાઓમાં તે નોધાવું જોઈએ કે, 'વાશ્તીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવવું.' અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી રાણીને આપવું.

20રાજા જે હુકમ કરશે તે જયારે તેના આખા સામ્રાજ્યમાં જાહેર થશે, ત્યારે સર્વ સ્ત્રીઓ પોતાના પતિઓને પછી ભલે તે નાના હોય કે મોટા પણ તેઓને માન આપશે."

21એ સલાહ રાજા તથા તેના સરદારોને સારી લાગી. તેથી રાજાએ મમૂખાનના કહેવા પ્રમાણે કર્યુ.

22રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે, પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે." અને એ હુકમ તે પોતાના લોકોની ભાષામાં જાહેર કરે.


  Share Facebook  |  Share Twitter

 <<  Esther 1 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran