Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Daniel 8 >> 

1બેલ્શાસ્સાર રાજાના રાજ્યના ત્રીજા વર્ષે મેં, દાનિયેલે અગાઉ જે સંદર્શન જોયું હતું તેના જેવું બીજું સંદર્શન જોયું.

2સંદર્શનમાં મેં જોયું, કે હું એલામ પ્રાંતના કિલ્લા સુસાના નગરમાં હતો. સંદર્શનમાં મારા જોવામાં આવ્યું કે હું ઉલાઈ નદીને કિનારે ઊભો હતો.

3મેં મારી નજર ઉપર કરીને જોયું તો મારી આગળ બે શિંગડાંવાળો બકરો નદી આગળ ઊભેલો હતો. તેનું એક શિંગડું બીજા કરતાં લાંબું હતું, પણ લાંબું શિંગડું ધીમેથી વૃદ્ધિ પામતું હતું અને તે પાછળથી લાંબું થયું.

4મેં તે બકરાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો; તેની આગળ બીજું કોઈ પશુ ઊભું રહી શકતું નહોતું. તેની પાસેથી કોઈ પોતાને છોડાવી શકે એમ નહોતું. તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો અને ઘમંડ કરતો હતો.

5આ વિષે હું વિચારતો હતો, તો મેં જોયું કે પશ્ચિમ તરફથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો, તેના પગ જમીનને અડકતા પણ નહોતા. તે બકરાની આંખો વચ્ચે એક મોટું શિંગડું હતું.

6જે શિંગડાવાળા બકરાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે તે આવ્યો-તે બકરો પેલા બકરા તરફ પૂરા જોસથી ઘસી ગયો.

7મેં બકરાને તેની નજીક આવતો જોયો. તે બકરો પર ક્રોધે ભરાયો હતો, તેણે પેલા બકરા ઉપર હુમલો કર્યો અને તેના બન્ને શિંગડાં ભાંગી નાખ્યાં. એ બકરો તેની આગળ ઊભો રહેવાને અશક્ત હતો. આવેલા બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને કચડી નાખ્યો. કેમ કે તેની શક્તિથી તેને બચાવનાર કોઈ જ ન હતું.

8ત્યારે તે બકરાએ ઘણું મહત્વ ધારણ કર્યું. પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું મોટું શિંગડું ભાંગી ગયું, તેની જગ્યાએ આકાશના ચાર પવન તરફ ચાર મોટા શિંગડાં ફૂટી નીકળ્યાં.

9તેઓમાંથી એક નાનું શિગડું ફૂટી આવ્યું, પણ દક્ષિણ તરફ, પૂર્વ તરફ તથા રળિયામણા દેશ ઇઝરાયલ તરફ તે લંબાઈને ઘણું મોટું થયું.

10તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. સૈન્યોમાંના અને તારાઓમાંના કેટલાકને તેણે પૃથ્વી પર ફેંક્યા અને તેમને પગ નીચે કચડી નાખ્યા.

11તે વધીને ઈશ્વરીય સૈન્યના સરદાર જેટલું મોટું થયું. તેણે તેની પાસેથી દરરોજનું દહનાર્પણ લઈ લીધું અને તેના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું.

12બંડને કારણે સૈન્ય તથા દહનાર્પણ તેને આપી દેવામાં આવ્યું. સત્યને જમીન પર ફેંકી દીધું, પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યું અને સફળ થયું.

13ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો અને બીજા પવિત્રે તેને જવાબ આપ્યો, "દહનાર્પણનો અને વિનાશ કરનાર પાપ પવિત્રસ્થાનને તેમ જ આકાશના સૈન્યને તેના પગ નીચે કચડી નાખવા વિષેના સંદર્શનનો કેટલો સમય છે?"

14તેણે મને કહ્યું, "બે હજાર ત્રણસો રાત્રિદિવસ સુધી, ત્યાર પછી પવિત્રસ્થાનને તે પોતાના યોગ્ય સ્થાને મૂકશે."

15જ્યારે, મેં દાનિયેલે આ સંદર્શન જોયું, ત્યારે મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. એક માણસ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી.

16મેં ઉલાઈ નદીના કિનારા વચ્ચેથી મનુષ્યનો અવાજ સાંભળ્યો. તેણે કહ્યું, "ગાબ્રિયેલ, આ માણસને સંદર્શન સમજવામાં મદદ કર."

17તેથી તે જ્યાં હું ઊભો હતો ત્યાં મારી પાસે આવ્યો. તે પાસે આવ્યો; ત્યારે હું ડરીને નીચે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, સમજ, આ સંદર્શન અંતના સમયનું છે."

18તે જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરનિદ્રામાં પડ્યો. ત્યારે તેણે મને સ્પર્શ કરીને ઊભો કર્યો.

19તેણે કહ્યું, "જો, હું તને જણાવું છું કે, કોપને અંતે શું થવાનું છે, કેમ કે આ સંદર્શન ઠરાવેલા અંતના સમય વિષે છે.

20જે બે શિંગડાવાળો બકરો તે જોયો, તેઓ માદી દેશના અને ઇરાનના રાજાઓ છે.

21પેલો નર બકરો ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.

22જે શિંગડું ભાંગી ગયું તેની જગ્યાએ બીજાં ચાર શિંગડાં ઊગ્યાં તે એ છે કે તે પ્રજામાંથી ચાર રાજ્યો ઊભાં થશે, પણ પોતાના બળથી નહિ.

23તેઓના રાજ્યના અંતે, જ્યારે તેઓનાં ઉલ્લંઘનો તેની મર્યાદા સુધી પહોંચશે ત્યારે એક વિકરાળ ચહેરાવાળો તથા બુદ્ધિશાળી રાજા ઊભો થશે.

24તે મહા બળવાન થશે પણ પોતાના બળથી નહિ. તે વ્યાપક રીતે વિનાશ કરશે, તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તે શક્તિશાળી તથા પવિત્ર લોકોનો નાશ કરશે.

25તે પોતાની હોશિયારીથી પોતાના પ્રપંચમાં વિજયી થશે. તે રાજાઓના રાજા વિરુદ્ધ ઊભો થશે, તે તેઓને તોડી નાખશે પણ માનવ બળથી નહિ.

26સવાર અને સાંજ વિષે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે સાચું છે. પણ તે સંદર્શનને ગુપ્ત રાખ, કેમ કે તે ભવિષ્યના ઘણા દિવસો વિષે છે."

27પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂર્છિત થયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજાનું કામકાજ કરવા લાગ્યો. પણ તે સંદર્શનથી હું વ્યાકુળ હતો પરંતુ કોઈને તેની સમજ પડી નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Daniel 8 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran