Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Job 6 >> 

1પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,

2''અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!

3કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું.

4કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.

5શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?

6શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?

7હું તેને અડકવા માગતો નથી; તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે.

8અરે, જો મારી વિનંતી સફળ થાય; અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે!

9એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!

10તેથી હજીયે મને દિલાસો થાય. હા, અસહ્ય દુ:ખ હોવા છતાં હું આનંદ માનું, કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી.

11મારું બળ શું છે કે હું સહન કરું? અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?

12શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે? શું મારું શરીર પિત્તળનું છે?

13શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી, શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી?

14નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનને ત્યજી દે.

15પણ મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે. એટલે લોપ થઈ જતાં ઝરણાં કે,

16જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.

17તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.

18તેઓની પાસે કાફલા જાય છે અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.

19તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, શેબાના સંઘે તેઓની રાહ જોઈ.

20પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા.

21કેમ કે હવે તમે એવા જ છો; મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો.

22શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?' અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?'

23અથવા, 'મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?' કે, 'જુલમીના હાથમાંથી મને છોડાવો?'

24મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.

25સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો ?

26પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે. તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો?

27હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો, તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.

28તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.

29તો હવે કૃપા કરીને પાછા ફરો; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.

30શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?''


  Share Facebook  |  Share Twitter

 <<  Job 6 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran