Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Job 20 >> 

1ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું,

2''મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.

3મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.

4શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,

5દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?

6તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે,

7તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, 'તે ક્યાં છે?'

8સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે.

9જેણે તેને જોયો છે તે તને ફરી કદી જોઈ શકશે નહિ. તેનું સ્થળ તેને ક્યારેય જોવા પામશે નહિ.

10તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.

11તેનામાં યુવાનીનું જોર છે. પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.

12જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.

13જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે.

14પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.

15તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.

16તે સર્પનું ઝેર ચૂસશે; નાગનો ડંખ તેને મારી નાખશે.

17તે નદીઓ, માખણ તથા મધની વહેતી ધારાઓ જોવા પામશે નહિ.

18જેને માટે તેણે મહેનત કરી હશે; તે તેને પાછું આપવું પડશે; અને તે તેને ભોગવવા પામશે નહિ; તે જે ધનસંપત્તિ કમાયો હશે તેથી તેને આનંદ થશે નહિ.

19કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.

20તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માને છે તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ.

21તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નથી; તેની સફળતા ટકશે નહીં.

22તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે, દરેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.

23જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે; તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે.

24જો કે લોઢાના શસ્ત્રથી તે ભાગશે, તો પિત્તળનું બાણ એને વીંધી નાખશે.

25તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે; તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તેના પર ભય આવી પડશે.

26તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે. પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે.

27આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે.

28તેના ઘરની સંપત્તિ નાશ પામશે, તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે.

29દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.''


  Share Facebook  |  Share Twitter

 <<  Job 20 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran