Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Job 18 >> 

1એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,

2''તારા શબ્દોનો અંત લાવ. વિચાર કરો અને પછી અમે વાત કરીશું.

3અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ? અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ?

4તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?

5હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે.

6તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે; તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે.

7તેનાં પગલાં મંદ પડી જશે. તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.

8તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.

9ફાંદો તેના પગની પાની પકડી લેશે, અને ફાંદો તેને ફસાવશે.

10જમીનમાં તેને સારુ જાળ; અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.

11ચારેકોર ભય તેને ગભરાવશે; તે તેની પાછળ પડશે.

12ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે. વિનાશ તેની પડખે તૈયાર રહેશે.

13તે તેના શરીરની ચામડીને કોરી ખાશે. ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે.

14પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે; અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે.

15જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે.

16તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે; તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે.

17તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે. અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ.

18પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

19તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે.

20જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે. અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે.

21નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે. જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Job 18 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran