1ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
2''મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો.
3શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો.
4તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, તો હું તમારી સામે ડાહી વાતો કરત, અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત.
5અરે, મારા મુખથી હું તમને હિંમત આપી શક્યો હોત! મારા હોઠનો દિલાસો તમને આશ્વાસન આપત!
6જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?
7પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે; તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે.
8તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે.
9ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે.
10લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. તેઓ મારા મોં પર તમાચો મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.
11ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે.
12હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે.
13તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.
14તે વારંવાર મને કચડી નાખે છે; તે યોદ્ધાની જેમ મારા પર તૂટી પડે છે.
15મેં શોકના વસ્ત્રો પહેર્યા છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે.
16રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે. મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે.
17જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે.
18હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ. મારા અવાજને તું દાટી દઈશ નહિ.
19જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે.
20મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે.
21એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને, તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે!
22કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે, ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ.