1જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે; મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું.
2તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી.
3નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.
4પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
5તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
6હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
7શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
8શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
9તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
10તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
11શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? અને તેમનો ભય તમારા પર નહિ આવે?
12તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.
13છાના રહો, મને નિરાંતે બોલવા દો, મારા પર જે થવાનું હોય તે થવા દો.
14મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
15જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
16ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
17મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
18હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
19મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
20હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
21તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો.
22પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
23મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
24શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?
25શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?
26તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
27તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, તમે મારાં પગલાં તપાસો છો;
28જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઊધઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.