Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Job 1 >> 

1ઉસ દેશમાં એક માણસ હતો તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરની બીક રાખનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર હતો.

2તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી.

3તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.

4તેના દીકરાઓમાંનો દરેક પોતપોતાના ઘરે મિજબાની આપતો; અને પોતાની ત્રણેય બહેનોને ખાવાપીવા માટે નિમંત્રણ આપતો.

5તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયૂબ તેઓને તેડાવીને પવિત્ર કરતો. અને વહેલી સવારમાં ઊઠીને તે સર્વની ગણતરી મુજબ દરેકને સારુ દહનાર્પણ કરતો. તે કહેતો, ''કદાચ મારા સંતાનોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરને શ્રાપ આપ્યો હોય!'' અયૂબ હંમેશાં આ પ્રમાણે કરતો.

6એક દિવસ દૂતો યહોવાહની આગળ હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવ્યો.

7યહોવાહે શેતાનને પૂછ્યું, ''તું ક્યાં જઈ આવ્યો? શેતાને યહોવાહને જવાબ આપ્યો. ''હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું.

8પછી યહોવાહે શેતાનને કહ્યું, ''શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરથી ડરનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.''

9ત્યારે શેતાને યહોવાહને ઉત્તર આપ્યો કે,'' શું અયૂબ કારણ વિના ઈશ્વરની બીક રાખે છે?

10શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.

11પણ તમારો હાથ લંબાવીને તેની સંપત્તિને સ્પર્શ કરો એટલે તે તમારા મોઢે ચઢીને શ્રાપ આપશે.''

12યહોવાહે શેતાનને કહ્યું, ''જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.

13એક દિવસે તેના દીકરાઓ અને તેની દીકરીઓ તેઓના મોટા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં તે સમયે,

14એક સંદેશાવાહકે આવીને અયૂબને કહ્યું કે, ''બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની પાસે ચરતાં હતાં.

15એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી મારી નાંખ્યા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''

16તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, ''ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાં તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''

17તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, ''કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી તેઓએ ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. ફક્ત હું એકલો જ તમને ખબર આપવા બચી ગયો છું.''

18તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, ''તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તેઓના મોટાભાઇના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં.

19તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. અને તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગવાથી તેની અંદરના યુવાનો પર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''

20પછી અયૂબે ઊભા થઈને, પોતાનો જામો ફાડી નાખ્યો, પોતાનું માથું મૂંડાવીને જમીન પર પડીને ઈશ્વરની સ્તુતિ કરી.

21તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. યહોવાહે આપ્યું અને યહોવાહે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.''

22એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ. અને ઈશ્વરને મૂર્ખપણે દોષ આપ્યો નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Job 1 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran