Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Proverbs 26 >> 

1જેમ ઉનાળામાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.

2ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી.

3ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.

4મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.

5મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.

6જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે.

7મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે.

8જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.

9જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે.

10ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.

11જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે.

12પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.

13આળસુ માણસ કહે છે, "રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે."

14જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.

15આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.

16હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

17જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.

18જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,

19તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે "શું હું ગમ્મત નહોતો કરતો?"

20બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.

21જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.

22નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે.

23કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.

24ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.

25તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.

26જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે.

27જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.

28જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Proverbs 26 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran