Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Proverbs 21 >> 

1પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.

2માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.

3ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે.

4અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.

5ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે.

6જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે.

7દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે.

8અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે.

9કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે.

10દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.

11જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.

12ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે.

13જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ.

14છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે.

15નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.

16સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.

17મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ.

18નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે.

19કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.

20જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.

21જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા સન્માન મળે છે.

22જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.

23જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે.

24જે માણસ ઘમંડી છે; તેનું નામ "તિરસ્કાર" કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.

25આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.

26એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.

27દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય.

28જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.

29દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.

30કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.

31યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Proverbs 21 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran