Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Proverbs 19 >> 

1અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે.

2વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.

3વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.

4સંપત્તિ ઘણા મિત્રો વધારે છે, પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે.

5જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. અને શ્વાસે શ્વાસે જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ.

6ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો ખુશામત કરે છે અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે.

7દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે, તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે તેઓને બોલાવે છે, પણ તેઓ ચાલ્યા ગયા છે.

8જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે. જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.

9જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ, પણ જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.

10મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે.

11માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે.

12રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે.

13મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે.

14ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.

15આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.

16જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે, પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.

17ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.

18આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.

19ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.

20સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.

21માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે.

22માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.

23યહોવાહનું ભય જીવનદાન અને સંતોષ આપે છે તેથી તેનું ભય રાખનાર પર નુકસાનકારક માર આવશે નહિ.

24આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી.

25તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.

26જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.

27હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ.

28દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.

29તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Proverbs 19 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran