1પસંદ કરેલી બહેનને તથા તેનાં બાળકોને લખનાર વડીલ:
2જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે.
3ઈશ્વરપિતાથી તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ આપણી સાથે સત્ય તથા પ્રીતિમાં રહેશે.
4જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાંક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું.
5હવે, બહેન, હું નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખતાં તને અરજ કરું છું કે આપણે માહોમાંહે પ્રેમ રાખીએ.
6આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે અને જેમ તમે આરંભથી સાંભળ્યું છે તેમ આજ્ઞા તે જ છે કે તમે પ્રેમમાં ચાલો.
7કારણ કે જગતમાં ઘણા છેતરનારા ઊભા થયા છે; જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ છેતરનાર તથા ખ્રિસ્તવિરોધી છે.
8તમે પોતાના વિષે સાવચેત રહો, કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો.
9જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તના શિક્ષણમાં રહેતો નથી, તેને ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે.
10જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો.
11કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્ટકર્મોનો ભાગીદાર થાય છે.
12મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ કાગળ તથા શાહીથી લખવું એવી મારી ઇચ્છા નથી, પણ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમારી મુલાકાત લઈને રુબરુ વાત કરવાની હું આશા રાખું છું.
13તારી પસંદ કરેલી બહેનનાં બાળકો તને ક્ષેમકુશળ કહે છે.